top of page

ઓનલાઇન નાણાકીય છેતરપિંડી - ફરિયાદ કરવાની અને ગુમાવેલી રકમ પરત મેળવવાની પ્રક્રિયા

Updated: Jun 30

વિશ્વમાં ડિજિટલ પેમેન્ટ્સનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, અને ભારતમાં પણ તેનો વિશેષરૂપે પ્રભાવી વિકાસ જોવા મળી રહ્યો છે. વર્ષ 2024-25માં ભારતમાં 16,400 કરોડ ડિજિટલ વ્યવહારો થયા છે, જે ડિજિટલ વ્યવહારોમાં વર્ષ 2023-24 કરતાં 34.8% નો વધારો દર્શાવે છે. ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) કે જેનું કુલ ડિજિટલ વ્યવહારોમાં 84% જેટલું પ્રદાન છે તેને આ ડિજિટલ વ્યવહારોના વિકાસમાં વિશેષ ભૂમિકા ભજવી છે. વિશ્વ સ્તરે પણ ભારત કુલ ડિજિટલ વ્યવહારોમાં 47% જેટલું મહત્વનું યોગદાન આપી રહ્યું છે.


ડિજિટલ વ્યવહારો વધવા સાથે આર્થિક સાઇબર ફ્રોડના કેસો પણ ઝડપથી વધી રહ્યા છે. 2024-25 દરમિયાન, ભારતમાં ₹4,245 કરોડની છેતરપિંડી નોંધાઈ છે, જે ગયા વર્ષ કરતા 67% વધુ છે. 2.4 મિલિયન ડિજિટલ છેતરપિંડીના કેસો નોંધાયા છે, જેમાં UPI ફ્રોડ સૌથી વધુ (47.25%) છે.


સાઇબર સુરક્ષાનું ધોરણ સતત સુધરી રહ્યું છે. લોકોમાં પણ આ અંગે ઘણી જાગૃતિ આવી છે, પરંતુ સાયબર અપરાધીઓ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) જેવી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરી અલગ અલગ પ્રકારના સાઇબર હુમલાઓ કરી રહ્યા છે. ફિશિંગ, KYC છેતરપિંડી, નકલી ગ્રાહક સેવા નંબર અને UPI ફ્રોડ જેવી યુક્તિઓનો ઉપયોગ કરીને ઠગ લોકોના નાણાં લૂંટે છે.


ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા લોકો ને તેને લગતી ફરિયાદ કરવાની પ્રક્રિયા અને તેઓએ આ છેતરપિંડીમાં ગુમાવેલી રકમ પરત મેળવવા સંબંધિત તેમના હક્કોની જાણકારીના અભાવે લોકો ઘણીવાર પોતાનું નુકસાન પુનઃપ્રાપ્ત કરી શકતા નથી. 


તો ચાલો આ વિષયને થોડો ઊંડાણથી સમજીએ.


ભારત સરકાર દ્વારા સારા પગલાં:


ભારત સરકારે સાઇબર ગુનાને ઓળખવા, અટકાવવા અને લોકોની ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે અનેક ઉત્તમ પગલાં લીધા છે. સરકાર દ્વારા પ્રસ્થાપિત ઈન્ડિયન સાઇબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા સાંપ્રત અને વિસતૃત પગલાં લેવામાં આવી રહ્યા છે જેમાં રાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (cybercrime.gov.in) અને સાઇબર ફ્રોડ અંગેના હેલ્પલાઇન નંબર 1930 ની રચના એક મહત્વપૂર્ણ પહેલ છે. આ બંને સગવડો દ્વારા નાગરિકો ફાઇનાન્સિયલ છેતરપિંડી સહિત તમામ સાઇબર ગુનાઓની ફરિયાદ નોંધાવી શકે છે. 


CERT-In (Indian Computer Emergency Response Team) પણ એક મહત્વપૂર્ણ પહેલ છે. CERT-In, 24x7 સંકટ પ્રતિસાદ સેવા પૂરી પાડે છે અને Law Enforcement Agencies સાથે જોડાઈને phishing અને hacking જેવા સાઇબર ગુનાઓને અટકાવવા માટે મહત્ત્વપૂર્ણ કામગીરી કરે છે. તદુપરાંત, મોટા ભાગના ભારતીય રાજ્યોમાં સાયબર પોલીસ સ્ટેશન્સ અને પ્રતિસાદ યુનિટ સ્થાપિત કરવામાં આવ્યા છે.


સરકારી એજન્સીઓ સાયબર ફ્રોડ રોકવા અને પીડિતોને સહાય કરવા માટે ખૂબ સારું કામ કરી રહી છે, ત્યારે આ લડતમાં જનસહભાગિતા સૌથી મહત્વપૂર્ણ છે. સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ, લોકો દ્વારા સુરક્ષિત ઑનલાઇન વર્તન, સાયબર ગુન્હાઓની સમયસર ફરિયાદ નોંધાવવી જેવી બાબતો, સાયબર સુરક્ષા ને પ્રબળ બનાવવામાં મહત્વનું યોગદાન આપી શકે છે. સાયબર ગુના સામેની લડત માત્ર સરકારની નથી, પણ તે પ્રત્યે દરેક નાગરિકની પણ સમકક્ષ જવાબદારી છે. જો આપણે સૌ સક્રિય, સતર્ક અને જવાબદાર રહીશું તો ડિજિટલ જગતમાં છેતરપિંડીના જોખમને અત્યંત ઘટાડી શકીશું અને સાયબર સુરક્ષા માટે એક મજબૂત કિલ્લો ઊભો કરી શકીશું.


ચાલો હવે આપણે આજના આ લેખના મહત્વના મુદ્દા તરફ આવીએ. આ લેખનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા લોકો ને છેતરપિંડીને કારણે થયેલ આર્થિક નુકસાન પરત મેળવવામાં મદદરૂપ થવાનો છે.


ઓનલાઇન નાણાકીય છેતરપિંડીથી બચવા માટે કઈ પ્રકારની કાળજી લેવી જોઈએ એ અંગેની વિસ્તૃત માહિતી પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને શિક્ષિત કરવા માટે પ્રકાશિત થાય છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ આ છેતરપિંડીનો શિકાર બને, ત્યારે શું કરવું, કયા તાત્કાલિક પગલાં ભરવા, જેથી કરીને આવી છેતરપિંડીથી થતું નુકસાન ઓછું કરી શકાય, તે અંગેની માહિતી બહુ પ્રકાશિત થતી નથી અને તેને કારણે ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા લોકો સમયસર યોગ્ય જગ્યાએ ફરિયાદ કરી શકતા નથી અને તેઓને થયેલ નુકસાનનું વળતર મેળવી શકતા નથી. આ અંગેની વિસ્તૃત માહિતી નીચે દર્શાવેલી છે.


ઓનલાઇન નાણાકીય છેતરપિંડી: ભોગ બનનાર વ્યક્તિએ નાણાં ગુમાવ્યાના સમયે અનુસરવાના પગલાં


  1. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન (1930) પર રિપોર્ટ કરો: 


નાણાકીય છેતરપિંડી રિપોર્ટ કરવા માટે તરત જ 1930 પર કૉલ કરો,વ્યવહારની  વિગતવાર માહિતી આપો, જેમ કે રકમ,તારીખ, સમય, બેંક એકાઉન્ટ અથવા કાર્ડ ની માહિતી, વ્યવહારનો મોડ (જેમ કે UPI, નેટ બૅન્કિંગ અથવા કાર્ડ વગેરે) આ હેલ્પલાઇન વાસ્તવિક સમયમાં છેતરપીંડીના વ્યવહારને સ્થગિત કરવા અને વધુ નુકશાન અટકાવવા માટે કાર્ય કરે છે.


  1. નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો:


નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો, આ માટે  પોર્ટલ પર જાઓ.(https://cybercrime.gov.in/),યોગ્ય શ્રેણી પસંદ કરો (જેમ કે નાણાકીય છેતરપિંડી).છેતરપિંડીની વિગત, સ્ક્રીનશોટ્સ, ટ્રાન્ઝેક્શન ID, અને પુરાવા, જો ઉપલબ્ધ હોય તો, અપલોડ કરો. ટ્રેકિંગ માટે અકનોલેજમેન્ટ મેઇલ  અથવા ફરિયાદ ID નોંધો. સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન (1930) ની જેમ આ રેપોર્ટિંગ પણ વાસ્તવિક સમયમાં છેતરપીંડીના વ્યવહારને સ્થગિત કરવા અને વધુ નુકશાન અટકાવવા માટે કાર્ય કરે છે


  1. તમારી બેંક અથવા નાણાકીય સંસ્થા ને જાણ કરો:


અનધિકૃત વ્યવહાર વિશે તરત જ તમારી બેંકને જાણ કરો. ઉપર દર્શાવ્યા પ્રમાણે વ્યવહારની વિગત

શેર કરો અને વધુ દુરૂપયોગ અટકાવવા માટે ખોટા ખાતા / કાર્ડને બ્લોક કરવાની વિનંતી કરો. લેખિત ફરિયાદ કરો, અને સંદર્ભ અને પુરાવા માટે તેની નકલ રાખો.


4. એફઆઈઆર દાખલ કરો (જો જરૂરી હોય):


જો વ્યવહારોની રકમ મહત્વપૂર્ણ હોય અથવા ગંભીર છેતરપિંડી સાથે સંકળાયેલી હોય, તો સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઇમ સેલ સાથે પ્રથમ માહિતી રિપોર્ટ (FIR) દાખલ કરો. આધારભૂત દસ્તાવેજો, જેમ કે ફરિયાદની સ્વીકૃતિ, બેંક સ્ટેટમેન્ટ, અને છેતરપિંડીના પુરાવા જોડો.


5. બેંક અથવા કાયદો અમલકર્તાઓ સાથે ફોલો-અપ કરો:


તમારી ફરિયાદની સ્થિતિને જાણવા નિમિત્તે બઁક અને સાઇબર ક્રાઇમ પ્રાધિકારીઓ સાથે નિયમિતપણે ફોલો-અપ કરો. બેંકો સામાન્ય રીતે ગેરઅધિકૃત વ્યવહારોની તપાસ કરે છે અને તમે જો RBIની ઝીરો લાયબિલિટી પોલિસી અનુસાર રકમ પછી મેળવવા હકદાર હો તો બઁક તમારી ગુમાવેલી રકમ પરત કરવા જવાબદાર છે.


6. પુરાવા જાળવો:


તમામ સંબંધિત પુરાવા રાખો, જેમાં, ટ્રાન્ઝેક્શન સંબંધિત SMS/ઇમેઇલ ચેતવણીઓ, છેતરપિંડીની પ્રવૃત્તિના સ્ક્રીનશોટ. છેતરપિંડી કરનાર સાથેનો કોઇપણ સંદેશાવ્યવહાર (જો કરેલ હોય તો). કોઈ પણ પુરાવાને ડિલીટ ના કરો અથવા તેને બદલો નહીં, કારણકે તે તપાસ દરમિયાન જરૂરી હોય શકે છે.


7. તમે પોતાની જાતને સાઇબર સુરક્ષાથી માહિતગાર રાખો અને સાવચેત રહો:


તરત જ પાસવર્ડ્સ, પિનસ, અને અન્ય સંવેદનશીલ માહિતી અપડેટ કરો.તમારા નાણાંકીય વ્યવહારો ને વધુ સુરક્ષિત રાખવા બે-પરિબળ ઓથેન્ટિકેશન (2Factor Authentication) ને enable કરાવો. કોઈપણ સાથે સંવેદનશીલ માહિતી, જેમ કે OTP અથવા પાસવર્ડ્સ, શેર કરવું ટાળો.


RBI ઝીરો લાયબિલિટી પોલિસી


સલામત રીતે ઓનલાઇન ટ્રાન્સેક્સન કરવા અંગેની તમામ પ્રકારની માર્ગદર્શિકા, માળખા વગેરે હોવા છતાં, ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારોના કેસમાં ગ્રાહકો વિવિધ કારણોસર ગેરઅધિકૃત ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારોમાં નાણાં ગુમાવે છે. આ પરિસ્થિતિઓ માં આ નાણાકીય નુકશાન માટે જવાબદારી નક્કી કરવાની જરૂર છે.


રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા પ્રસ્તુત ઝીરો લાયબિલિટી પોલિસી ગ્રાહકના હિતનુ રક્ષણ કરતું માળખું છે, જે ગેરઅધિકૃત ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારોના કારણે થયેલ નુકસાન સામે ગ્રાહકોને સુરક્ષા પ્રદાન કરે છે. આ પોલિસી એ ખાતરી આપે છે કે જો ગ્રાહક દ્વારા  ચોક્કસ શરતોનુ પાલન થયું હોય તો, ગ્રાહકો આ પ્રકારના વ્યવહારોમાંથી થતા નુકસાન માટે જવાબદાર નથી. અહીં આ પોલિસી ના મુખ્ય મુદાઓની જાણકારી આપીછે:


RBI ની ઝીરો લાયબિલિટી પોલિસીની મુખ્ય મુદાઓ:


  1. ચોક્કસ કિસ્સાઓમાં ઝીરો લાયબિલિટી:


  2. ગ્રાહકની જવાબદારી નીચે દર્શાવેલા સંજોગો માં શૂન્ય છે:


o  છેતરપિંડી બૅન્કની બેદારકેરીથી થઈ હોય.

o  છેતરપીંડી કરનારે ગ્રાહકની જાણ બહાર અને ગ્રાહકના involvement વગર અનધિકૃત વ્યવહાર કર્યો

હોય.

o ગ્રાહકે વ્યવહારની સૂચના પ્રાપ્ત કર્યાના 3 કામકાજી દિવસોમાં આ અનઅધિકૃત વ્યવહાર બઁકને

રિપોર્ટ કર્યો હોય.

o ગ્રાહક દ્વારા પિનસ, પાસવર્ડ્સ જેવી સંવેદનશીલ માહિતી શેર કરવામાં ન આવી હોય.


  1. મોડુ  રિપોર્ટિંગ કરવાંમાં મર્યાદિત જવાબદારી:


    જો ગ્રાહક છેતરપિંડીનું રેપોર્ટિંગ અનધિકૃત વ્યવહારની સૂચના પ્રાપ્ત કર્યાના  4 થી 7 કામકાજી દિવસોમાં કરે છે, તો જવાબદારી ખાતાના પ્રકારના આધારે મર્યાદિત છે:


o સેવિંગ એકાઉન્ટ્સ: ₹10,000 સુધીની જવાબદારી.

o અન્ય ખાતાઓ (જેમ કે કરંટ એકાઉન્ટ્સ, ક્રેડિટ કાર્ડ્સ):

વ્યવહારના પ્રકાર અને ગ્રાહક પ્રોફાઇલના આધાર પર ₹25,000 અથવા ₹5,000 સુધીની જવાબદારી.


  1. ગ્રાહકની બેદરકારી  અથવા મોડા રિપોર્ટિંગ માટે જવાબદારી:


જો ગ્રાહક સાત દિવસ બાદ છેતરપિંડીનું રેપોર્ટિંગ કરે, તો બૅન્કની નીતિ અનુસાર ગ્રાહકની જવાબદારી નક્કી થાય છે, આવા સંજોગોમાં બેન્ક વ્યક્તિગત કિસ્સાઓની ચકાસણી કરે છે, અને બઁક તરફથી મર્યાદિત વળતર મળવાની અથવા સંપૂર્ણ રીતે વળતર આપવાનો બઁક તરફથી અસ્વીકાર થવાની પણ શક્યતા રહેલી છે, અને તેજ કારણે જો તમે કોઈ છેતરપિંડીનો ભોગ બન્યા હો તો જલદી, સંભવ હોય તેટલી વહેલી તકે તેને રિપોર્ટ કરવો જેથી નુકસાનીનું  યોગ્ય વળતર મેળવી શકાય.


  1. ફંડ્સના ગ્રાહકના ખાતામાં પાછા જમા કરવાનો  સમયગાળો:


બેંકેની  આવા કેસોમાં તપાસ પૂર્ણ કરવાની અને ગ્રાહકના ખાતામાં વિવાદિત રકમ જમા કરવાની સમય મર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવી  છે:


o    ગ્રાહકોની શૂન્ય જવાબદારીના કેસોમાં રિપોર્ટિંગના 10 કામકાજી દિવસોની અંદર.

o    અન્ય કેસોમાં મહત્તમ 90 દિવસનો સમયગાળો.


  1. 24/7 રિપોર્ટિંગ મકેનિઝમ:


બેંકોએ ગ્રાહકોને છેતરપિંડી રિપોર્ટ કરવા માટે મલ્ટિપલ ચેનલ્સ પૂરી પાડવાની રહેશે. (જેમ કે કોલ સેન્ટર્સ, SMS, ઇ-મેઇલ, મોબાઈલ એપ્સનો સમાવેશ થાય છે. ફરિયાદની સ્વીકૃતિ આપવાની અને રેફ્રન્સ નંબર પૂરો પાડવાની જવાબદારી પણ બૅન્કની છે.


  1. બર્ડન ઓફ પ્રૂફ :


વિવાદોમાં ગ્રાહકની જવાબદારી પુરવાર કરવી એ બઁક ની જવાબદારી છે.


7. આ પોલિસી કોને લાગુ પડે છે.


આ પોલિસી ઈલેક્ટ્રોનિક બૅન્કિંગ વ્યવહારો આવરી લે છે, જેમાં ATM ઉપાડ, ઓનલાઇન બૅન્કિંગ વ્યવહારો, મોબાઈલ બૅન્કિંગ, UPI અને ઇ-વૉલેટ વ્યવહારો નો સમાવેશ થાય છે. આ પોલિસી વ્યક્તિગત ખાતાઓ અને નના વ્યાપાર માટે લાગુ પડે છે. પરંતુ કોર્પોરેટ ખાતાઓ આ પોલિસી અંદર સામેલ નથી.


પોલિસીનું મહત્વ


RBI ની Zero Liability Policy ડિજિટલ બેન્કિંગમાં વિશ્વાસ સુદ્રઢ બનાવે છે, ગ્રાહકોને અનઓથોરાઈજ્ડ વ્યવહારો તાત્કાલિક રિપોર્ટ કરવા પ્રોત્સાહિત કરે છે, બેંકોને મજબૂત સુરક્ષા મકેનિઝમ્સ ઉભુ કરવા અને જાળવવા માટે જવાબદાર બનાવે છે અને ગ્રાહકોને છેતરપિંડીના કારણે થતુ નાણાકીય નુકસાન ઓછુ કરે છે.


સામૂહિક જવાબદારી માટે આહ્વાન


સાયબર ક્રાઇમ એક વધતી જટિલ સમસ્યા છે,  જે વ્યક્તિ, વ્યવસાય અને સરકાર ને પણ અસર કરે છે. વધતી સાયબર ધમકીઓની જટિલતા સામે સાવધાન રહેવું અને વ્યાપક સુરક્ષાના  પગલાં અમલમાં મૂકવા અત્યંત આવશ્યક છે. નિયમનકારી પહેલ, ટેક્નોલોજીકલ પ્રગતિ, અને જન જાગૃતિ દ્વારા, આપણે સાયબર ક્રાઇમથી આવતાં જોખમોને ઓછું કરી શકીએ અને સક્ષમ ડિજિટલ ભવિષ્ય બનાવી શકીએ છીએ.


સાઇબર ક્રાઇમ સામે લડવા માટે સામૂહિક પ્રયાસની જરૂર છે. જ્યારે સરકાર અને સંસ્થાઓ મજબૂત સાઇબર સિક્યોરિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, તે સમયે સામાન્ય નાગરિકે પણ પોતાની ડિજિટલ સુરક્ષા માટે તકેદારી લેવી જોઈએ. સલામત પાસવર્ડનો ઉપયોગ, ઓનલાઇન વ્યવહારોમાં સાવધ રહેવું અને નવીનતમ સાઇબર ધમકીઓ વિશે માહિતગાર રહેવા જેવી જાગરૂકતા સાઇબર ઘટનાઓને આટકાવવામાં ઘણી મદદરૂપ થશે.


જેમ જેમ આપણે ડિજિટલ ક્રાંતિ સ્વીકારી રહ્યા છીએ, તેમ તેમ સાયબર સુરક્ષાને પ્રાધ્યાન આપવું ખાસ જરૂરી છે. આપણે યાદ રાખવું જોઈએ કે : ડિજિટલ વિશ્વમાં, સુરક્ષિત રહેવું કોઈ વિકલ્પ નથી - તે આવશ્યક છે.


એક નવી પહેલ :


₹10 લાખથી વધુ નાણાકીય છેતરપિંડીની ફરિયાદો હવે આપમેળે e-Zero FIR તરીકે નોંધાશે


તાજેતરમાં ગ્રહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો મુજબ, નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) અથવા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ₹10 લાખથી વધુ નાણાકીય છેતરપિંડીની ફરિયાદ આપમેળે દિલ્હીની e-Crime પોલીસ સ્ટેશનમાં Zero FIR તરીકે નોંધાશે. Zero FIR તરત જ સંબંધિત સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવશે, અને ફરિયાદકર્તા 3 દિવસની અંદર સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જઈ Zero FIR ને રેગ્યુલર FIR માં કન્વર્ટ કરી શકશે. આ e-Zero FIR વ્યવસ્થા પ્રારંભમાં દિલ્હી માટે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરુ થશે, અને પછી અન્ય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. દિલ્હીની e-Crime પોલીસ સ્ટેશનને e-FIR નોંધવા અને NCRP અથવા 1930 પર નોંધાયેલી સાઇબર ગુનાની ફરિયાદોને સંબંધિત પોલીસ સ્ટેશનોમાં મોકલવા માટે અધિકૃત બનાવવામાં આવ્યું છે.


ગુજરાતનાં પ્રતિષ્ઠિત અખબાર 'દીવ્ય ભાસ્કર' ની વિવિધ આવૃતિમાં પ્રકાશિત આ વિષય પર આધારિત મારા લેખના ન્યુસ પેપર કટિંગસ.



Comments


bottom of page