ક્રિપ્ટોકરન્સી અને ભારત: વિકાસ, નિયમન અને વાસ્તવિકતા
- Kaushik Barai
- Jun 28
- 9 min read
Updated: Jul 15
અગાઉ માત્ર ટેક્નોલોજીના શોખીનો દ્વારા એક પ્રયોગ તરીકે શરૂ થયેલ ક્રિપ્ટોકરન્સી આજે એક વૈશ્વિક નાણાકીય શક્તિ બની ગયું છે. બિટકોઇન અને ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સી સતત સમાચારના શીર્ષકમાં રહે છે અને ચર્ચાનો વિષય બની છે, ત્યારે ઘણાં સામાન્ય ભારતીયોને સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ ક્રિપ્ટોકરન્સી ખરેખર શું છે? તેનો જન્મ શા માટે થયો? શું તેનો ઉપયોગ સુરક્ષિત છે? અને સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ થાય કે શું ભારતીયો કાયદેસર રીતે તેમાં રોકાણ કરી શકે છે?
આ લેખમાં આપણે ક્રિપ્ટોકરન્સીના જટિલ જગતને એકદમ સરળતાથી સમજાય તેવી ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરીશું. તમે જો આ વિષયમાં રસ ધરાવતા હો, અથવા તમારું પ્રથમ રોકાણ કરવાનું વિચારી રહ્યા હો પણ તેની સાથે જોડાયેલા જોખમ અંગે થોડા ચિંતિત હો, તો આ લેખ તમને ક્રિપ્ટોકરન્સી વિષે મૂળભૂત સમજ, તેના જોખમો અને ભારતમાં તેની કાનૂની સ્થિતિ વિશે સ્પષ્ટ સમજ આપશે.
ક્રિપ્ટોકરન્સી શું છે?
ક્રિપ્ટોકરન્સી શું છે એ સમજવા માટે પહેલાં નાણાંના ઇતિહાસની યાત્રાને સમજવી જરૂરી છે. પ્રાચીન સમયમાં લોકો એક વસ્તુને બદલે બીજી વસ્તુ એટલે કે વસ્તુની આપ-લે (બારટર) દ્વારા વ્યવહાર કરતા હતા જેમ કે ઘઉંના બદલામા કપડાં કે ગાયના બદલામા અનાજ. પછી ધીરે ધીરે મીઠું, ધાતુઓ જેવી કોમોડિટીઝ નાણાં તરીકે વપરાવા લાગી. બાદમાં ધાતુના સિક્કાઓ\ અને પછી કાગળની નોટો આવી. અને ત્યારબાદ ચેક, ડેબિટ-ક્રેડિટ કાર્ડ અને ઓનલાઇન બેંકિંગ જેવી વ્યવસ્થાઓ વિકસતી ગઈ. આજે તો મોબાઇલ વૉલેટ અને યુપીઆઈ જેવા ડિજિટલ પેમેન્ટ આપણા રોજિંદા જીવનનો ભાગ બની ચૂક્યા છે.
હવે ક્રિપ્ટોકરન્સી આ યાત્રાનું આગળનું પગથિયું છે, એક સંપૂર્ણ ડિજિટલ, વિકેન્દ્રીકૃત (decentralized) અને સરહદમુક્ત ચલણ, જે ફક્ત ઇન્ટરનેટ પર જ અસ્તિત્વમાં છે. ભારતીય રૂપિયો કે અમેરિકી ડોલર જેવી પરંપરાગત કરન્સી સરકાર કે કેન્દ્રીય બેંક દ્વારા નિયંત્રિત થતી હોય છે, પરંતુ ક્રિપ્ટોકરન્સી કોઈપણ સરકારના નિયંત્રણમાં નથી. તે બ્લોકચેન ટેકનોલોજી પર આધારિત છે. બ્લોકચેન ટેકનોલોજી એક સુરક્ષિત અને પારદર્શક ડિજિટલ રેકોર્ડ સિસ્ટમ છે, જે સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કમ્પ્યુટરોના નેટવર્ક પર દરેક વ્યવહારને કાયમી રીતે નોંધે છે. એકવાર ટ્રાન્ઝેક્શન બ્લોકચેન પર આવ્યા પછી, તેમાં ફેરફાર શક્ય નથી. આ રીતે આ સિસ્ટમ કોઈ તૃતીય પક્ષના ઇનવોલ્વમેન્ટ વગર વિશ્વાસ પ્રસ્થાપિત કરે છે.
પ્રથમ ક્રિપ્ટોકરન્સી બિટકોઇન 2009માં રજૂ કરવામાં આવી હતી, જેને એક અજ્ઞાત વ્યક્તિ "સતોશી નાકામોટો" લોન્ચ કરી હતી. 2008માં તેણે આ અંગે નુ શ્વેતપત્ર પ્રકાશિત કર્યું અને 2009ની શરૂઆતમાં પ્રથમ બ્લોક માઇન કરીને બિટકોઇનની શરૂઆત કરી જેમાં બેન્કિંગની અસ્થિરતાની ટીકાત્મક સૂચના પણ સમાવિષ્ટ હતી. આ ટેક્નોલોજીએ સાબિત કર્યું કે પૈસા બે વ્યક્તિઓ વચ્ચે સીધા ટ્રાન્સફર કરી શકાય છે મધ્યસ્થી બેન્કો વિના.
સતોશી નાકામોટોએ ક્યારેય પોતાનું વાસ્તવિક નામ અથવા ઓળખ જાહેર કરી નથી. 2011 સુધી તેઓ એ ફોરમ અને ઇમેઇલ દ્વારા થોડી મર્યાદિત ઓનલાઈન ચર્ચા કરી હતી પરંતુ ત્યાર પછી, તેઓ કોઈ પણ ફોરમ કે ઓનલાઇન ચર્ચા માં જોવામાં આવ્યા નથી. ત્યાર પછી બિટકોઇન ઉપરાંત હજારો ડિજિટલ કરન્સીઓ આવી જેમાં બિટકોઇન સિવાય અન્ય મહત્વની ક્રિપ્ટોકરન્સીમાં ઇથિરિયમ, રિપલ અને લાઇટકોઇન મહત્વનું સ્થાન ધરાવે છે.
ક્રિપ્ટોકરન્સી શા માટે મહત્વપૂર્ણ છે?
ક્રિપ્ટોકરન્સી ટ્રેડિશનલ કરન્સીથી અનેક રીતે જુદી પડે છે અને એ ફક્ત ડિજિટલ પૈસા નથી, પણ નાણાંની દુનિયામાં એક મોટી ક્રાંતિ છે. બેંકિંગ તંત્ર પર આધાર રાખવાના બદલે, ક્રિપ્ટોકરન્સી ડી-સેન્ટ્રલાઈઝ્ડ માળખા પર ચાલે છે, ક્રિપ્ટોકરન્સી ઉપર કોઈ એક સંસ્થા નિયંત્રણ ધરાવતી નથી. એ દરેક વ્યક્તિને પોતાના ક્રિપ્ટોકરન્સી ના હોલ્ડિંગ પર સંપૂર્ણ નિયંત્રણ આપે છે અને વ્યવહારોને ઝડપી અને સલામત બનાવે છે.
અંતરરાષ્ટ્રીય લેવલ પર જોઈએ તો, ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન બેંકોની જેમ દિવસો નહીં, પણ મિનિટોમાં પૂરા થાય છે અને તે પણ ઓછા ખર્ચે. આને કારણે ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ માટે તે ખૂબ જ ઉપયોગી છે.
ક્રિપ્ટોકરન્સીનો સૌથી મોટો ફાયદો એ છે કે દરેક ટ્રાન્ઝેક્શન બ્લોકચેન ટેક્નોલોજી થી ડિજિટલ લેજરમાં રેકોર્ડ થાય છે, જેનાથી ટ્રાન્સપેરન્સી અને વિશ્વાસ સુનિશ્ચિત થાય છે. કેમ કે એકવાર ડેટા બ્લોકચેન પર આવ્યા બાદ તેમાં ફેરફાર શક્ય નથી, જે ગેરરીતિને પણ અટકાવે છે.
આ ઉપરાંત, ક્રિપ્ટો એ ફાઇનાન્સિયલ ઈન્ક્લૂઝન તરફ એક મોટું કદમ છે. વિશ્વમાં ઘણા લોકો પાસે બેંક અકાઉન્ટ નથી, પણ ફક્ત મોબાઈલ અને ઈન્ટરનેટના ઉપયોગ કરીને તેઓ ક્રિપ્ટો વોલેટ દ્વારા પૈસા સંગ્રહ અને ટ્રાન્સફર કરી શકે છે.
કેટલાક લોકો માટે બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી એ ફુગાવા સામેનો બચાવ છે કારણ કે તેની સપ્લાય મર્યાદિત હોય છે. આ તેને લાંબા ગાળાના મૂડી રોકાણ માટે આકર્ષક બનાવે છે. આજના સમયમાં, ક્રિપ્ટોકરન્સી ફક્ત લેવડદેવડ પૂરતી મર્યાદિત નથી રહી, પણ એક અલગ પ્રકારના ઈન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે વિકસિત થઈ છે.
ટૂંકમાં કહીએ તો, ક્રિપ્ટોકરન્સી એ માત્ર ડિજિટલ નોટ નથી પણ વૈશ્વિક અર્થતંત્રમાં નાણાંનો નવો દૃષ્ટિકોણ છે.
ભારતમાં ક્રિપ્ટોકરન્સી કાયદેસર છે?
ક્રિપ્ટોકરન્સી અંગે ભારતના ઘણાં રોકાણકારો માટે લાંબા સમયથી એક મૂંઝવણભર્યો પ્રશ્ન રહ્યો છે: શું ભારતમાં ક્રિપ્ટોમાં રોકાણ કરવું કાયદેસર છે?
હાલમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું કે ક્રિપ્ટોકરન્સી ખરીદવી કે વેચવી કાયદેસર છે, પરંતુ અત્યંત મહત્વની વાત એ છે કે—ક્રિપ્ટોકરન્સીને ભારતમાં ચુકવણી (payment) માટે કાયદેસર માન્યતા નથી. એટલે કે, ક્રિપ્ટોકરન્સીનો તમે માલસામાન કે સેવાઓની ખરીદીની ચૂકવણી માટે ઉપયોગ કરી શકો નહીં. ભારતમાં તેનો ઉપયોગ ફક્ત ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ અથવા તો તેના ટ્રેડિંગ માટે જ માન્ય છે.
ભારતીય બેંક અકાઉન્ટથી ક્રિપ્ટોકરન્સી ખરીદી શકાય?
હાં, ભારતીય નાગરિકો માટે ભારતીય રૂપિયામાં ક્રિપ્ટોકરન્સી ખરીદવી કાયદેસર છે. જો તમે ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ–ઈન્ડિયા (FIU-IND) સાથે નોંધાયેલ હોય તેવા ક્રિપ્ટો એક્સચેન્જનો ઉપયોગ કરો છો અને Know Your Customer (KYC) ની પ્રક્રિયા પૂરી કરો છો, તો તમે તમારા બેંક અકાઉન્ટ સાથે ક્રિપ્ટો પ્લેટફોર્મને લિંક કરીને બિટકોઇન, ઇથિરિયમ જેવી ડિજિટલ કરન્સી ખરીદી શકો છો.
જો કે, આવા ટ્રાન્ઝેક્શન પર નાણાકીય એજન્સીઓની કડક નજર હોય છે. કેટલીક વખત બેંકો કોઈ અનિયમિત પ્રવૃત્તિ જણાય તો આ એજન્સીઓ તમારું ટ્રાન્ઝેક્શન અટકાવી શકે છે અથવા વિલંબિત કરી શકે છે. તેથી, આવી પરિસ્થિતિ ટાળવા માટે એ સલાહભર્યું છે કે તમે એવા ક્રિપ્ટો એક્સચેન્જનો ઉપયોગ કરો કે જે ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ–ઈન્ડિયા (FIU-IND) સાથે નોંધાયેલ હોય અને તમામ નિયમોનું પાલન કરતાં હોય.
FIU-IND એટલે શું અને તેનું મહત્વ શું છે?
ફાઈનાન્શિયલ ઈન્ટેલિજન્સ યુનિટ–ઈન્ડિયા (FIU-IND) ભારત સરકારે નાણાંકીય વ્યવહારોમાં દેશવિરુદ્ધ પ્રવૃત્તિઓને રોકવા માટે બનાવેલી નાણાં મંત્રાલય હેઠળ કામ કરતી એક સંસ્થા છે. તેનું મુખ્ય કામ છે મની લોન્ડરિંગ અને આતંકવાદી નાણાંકીય સહાયતા અટકાવવી. માર્ચ 2023 થી, ભારત સરકારે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો અને વૉલેટ ઓફર કરતી સંસ્થાઓને મની લોન્ડરિંગ વિરોધી કાયદા (PMLA) હેઠળ આવરી લીધાં છે.
આનો અર્થ એ છે કે ભારતમાં કામ કરતી તમામ ક્રિપ્ટો એક્સચેન્જો માટે, FIU-IND સાથે નોંધણી કરાવવી, KYC પ્રક્રિયાનો અમલ કરવો અને કોઈપણ શંકાસ્પદ વ્યવહારોની જાણ FIU-IND ને કરવી ફરજિયાત છે. હાલ CoinDCX, WazirX અને CoinSwitch સહિત બે ડઝનથી વધુ ક્રિપ્ટો એક્સચેન્જો FIU-IND સાથે રજીસ્ટર છે. Binance અને KuCoin જેવી વૈશ્વિક કંપનીઓ પણ FIU-IND માં રજીસ્ટર છે.
FIU-IND એ સુનિશ્ચિત કરે છે કે ક્રિપ્ટો એક્સચેન્જો પ્રસ્થાપિત નિયમોનું પાલન કરે, પરંતુ ભારતમાં હજી સુધી ક્રિપ્ટોકરન્સી માટે કોઈ ચોક્કસ નિયામક સંસ્થા નથી. SEBI અને RBI જેવી સંસ્થાઓના સંયુક્ત સહયોગથી એક વ્યાપક નિયમનકારક માળખું બનાવવા માટે ચર્ચાઓ ચાલી રહી છે.
ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર ટેક્સની જોગવાઈ
ભારતનું ક્રિપ્ટોકરન્સી પરનું ટેક્સ માળખું વિશ્વના સૌથી કડક નિયંત્રણમાંનું એક માનવામાં આવે છે. આવકવેરા અધિનિયમની કલમ 115BBH મુજબ, બિટકોઇન કે અન્ય ડિજિટલ કરન્સીના વેચાણ કે ટ્રાન્સફર પરથી મળતા નફા પર સીધો 30% ફિક્સ ટેક્સ લગાડવામાં આવે છે. આ ટેક્સની રકમને નફાની રકમ કે કેટલાં સમય સુધી રોકાણ હોલ્ડ કરવામાં આવ્યું હતું, તેનાથી કોઇ ફરક પડતો નથી.
સાથે જ, કલમ 194S મુજબ, જો વર્ષમાં ₹50,000 કરતા વધારે વોલ્યુમના ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન થાય તો 1% TDS (ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ) પણ ભરવો પડશે. ખાસ વાત એ છે કે આ TDS વોલ્યૂમ પર આધારિત હોવાથી નફો થયો હોય કે નુકસાન ટ્રાન્જેક્શન ના સમય પરજ એ ક્રિપ્ટો એક્સચેન્જ દ્વારા કાપી લેવામાં આવે છે.
બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે ખરીદીની કિંમત સિવાય બીજા કોઈ ખર્ચા, જેમ કે પ્લેટફોર્મ ચાર્જ કે ટ્રાન્ઝેક્શન ફી, પણ કપાત તરીકે બાદ લઈ શકાતા નથી. તેમજ, જો કોઈને ક્રિપ્ટોમાં નુકસાન થાય છે તો પણ એ નુકસાનીને અન્ય આવક સામે બાદ કરી શકાતી નથી કે પછી આગળના વર્ષોમાં લઈ જવા મળતી નથી.
ભારતમાં ક્રિપ્ટોકરન્સી લે-વેચ નો સામાન્ય પ્રક્રિયાક્રમ
1. ક્રિપ્ટો એક્સચેન્જ પર વૉલેટ ખોલવું
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ શરૂ કરવા માટે સૌપ્રથમ રોકાણકારે FIU-IND (ફાઈનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ–ઈન્ડિયા) સાથે નોંધાયેલા ક્રિપ્ટો એક્સચેન્જ જેવા કે CoinDCX, WazirX કે CoinSwitch પર એક અકાઉંટ ખોલવું પડેશે આ માટે રોકાણકારે સિલેક્ટ કરેલાં ક્રિપ્ટો એક્સ્ચેંજ ની સાઇનઅપ પ્રક્રિયા મુજબ તે એક્સ્ચેંજ માં નોંધણી કરી ID ક્રિએટ કરવું પડશે, ત્યારબાદ PAN કાર્ડ, આધારકાર્ડ અને સેલ્ફી દ્વારા KYC વેરિફિકેશન પુરૂં કરવું પડશે.
ઉપર મુજબની પ્રોસેસ કર્યા બાદ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ રોકાણકારના બે જુદા જુદા વૉલેટ ખોલે છે એક INR વોલેટ અને બીજું ક્રિપ્ટો વૉલેટ. રોકાણકારે પોતાનું બેન્ક અકાઉંટ INR વોલેટ સાથે લિન્ક કરી તે એકાઉન્ટ INR માં ફંડ ઉમેરવા અને પરત જમા કરવા માટે ઉપયોગ કરી શકે છે.ક્રિપ્ટો વૉલેટમાં રોકાણકારની બધી ક્રિપ્ટોકરન્સી હોય છે જેમ કે બિટકોઇન કે ઇથિરિયમ વગેરે.
2. INR વૉલેટ માં રૂપીયા જમા કરવાની અને ક્રિપ્ટોકરન્સી ખરીદ વેચાણ ની પ્રક્રિયા
એકવાર INR વૉલેટ ખૂલી જાય અને KYC ની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, રોકાણકાર જરૂરિયાત મુજબ UPI, નેટબેંકિંગ, IMPS કે અન્ય પદ્ધતિ દ્વારા ભારતીય રૂપિયામાં એક્સચેન્જના INR વૉલેટમાં ફંડ જમા કરી શકે છે. ભારતીય ચલણમાં રકમ જમા થઈ ગયા પછી, રોકાણકાર પોતાની પસંદગીની ક્રિપ્ટોકરન્સી જેમ કે બિટકોઇન અથવા ઇથિરિયમની ખરીદી કરી શકે છે. જ્યારે કોઇ ક્રિપ્ટોકરન્સી ખરીદે છે ત્યારે INR વૉલેટમાંથી રકમ કપાય છે અને ખરીદેલી ક્રિપ્ટોકરન્સી “ક્રિપ્ટો વૉલેટ” માં સંગ્રહિત થાય છે. જ્યારે રોકાણકાર વેચાણ કરે છે, ત્યારે તે રકમ ક્રિપ્ટો વૉલેટમાંથી કપાય છે અને INR વૉલેટમાં ઉમેરાય છે. INR વૉલેટને ઘણી વખત “ફિયાટ વૉલેટ” તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે ક્રિપ્ટોકરન્સી વૉલેટ “એસેટ વૉલેટ” કે “હોલ્ડિંગ્સ” ના નામથી પણ ઓળખાય છે.
૩. ટેક્સની પાલન પ્રક્રિયા
આંતિમ અને ખૂબ અગત્યનું પગથિયું છે ક્રિપ્ટો અંગે ની ટેક્સની જોગવાઈ નુ પાલન. દરેક ટ્રાન્ઝેક્શનમાં એક્સચેન્જ 1% TDS આપમેળે કાપે છે. ઉપરાંત, નફા પર 30% ટેક્સ જાહેર કરી ઇન્કમ ટેક્સ રિટર્નમાં ચુકવણી કરવાની ટેક્સપેયરની જવાબદારી છે.
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના જોખમો
જ્યારે ક્રિપ્ટોકરન્સી નવો અને આકર્ષક રોકાણ વિકલ્પ બનીને ઊભરી રહી છે, ત્યારે તેની ઈકોસિસ્ટમ સંપૂર્ણપણે જોખમોથી મુક્ત નથી. પારંપરિક નાણાકીય વ્યવસ્થાની સરખામણીમાં ક્રિપ્ટોકરન્સીના રોકાણમાં કેટલીક સ્પષ્ટ ખામીઓ અને જોખમો છે જે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતાં પહેલા રોકાણકાર માટે જાણી લેવા ખૂબ જ જરૂરી છે.
1. ભાવમાં ભારે ઉતાર-ચઢાવ
ક્રિપ્ટોકરન્સીનું સૌથી મોટું જોખમ એ છે કે તેના ભાવમાં અતિશય ઝડપથી ફેરફાર થાય છે. બિટકોઇન અને ઇથિરિયમ જેવી ડિજિટલ કરન્સીનું મૂલ્ય કેટલીક વખત કલાકો દરમિયાન જ તીવ્ર રીતે વધઘટ થઈ શકે છે. આવી અનિયંત્રિત રીતે થતી ભાવની વધ-ઘટને કારણે રોકાણકારોએ સાવચેતી પૂર્વક ક્રિપ્ટોકરન્સીનું ખરીદ વેચાણ કરવું જોઈએ.
2015થી 2025 સુધીનું બિટકોઇનની કિંમત પરિપ્રેક્ષ્ય: એક વર્ષવાર ઝલક
છેલ્લા એક દશકમાં બિટકોઇન ની કિમત માં થયેલ ઉતાર-ચઢાવ ની વિગત નીચેના કોસ્ટકમાં દર્શાવેલ છે જે દર્શાવે છે કે બિટકોઇન ની કિમત માં કેટલો જડપી ઉતાર-ચઢાવ થાય છે.
નોંધ: 2025 ના આંકડા જૂન સુધીના છે અને વર્ષના અંત સુધીમાં તેમાં ફેરફાર થઈ શકે છે.
આ ટેબલથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા દાયકામાં બિટકોઇનની યાત્રા કેટલી અસ્થિર—અને કેટલીકવાર વિસ્ફોટજનક રહી છે.
2. સુરક્ષા અને ગેરંટીના અભાવ
પારંપરિક બેંકોમાં તમારી ડિપોઝિટ પર અમુક રકમ સુધી સરકારની ગેરંટી હોય છે, પરંતુ ક્રિપ્ટો એક્સચેન્જોમાં એવી કોઈ સુરક્ષા નથી. જો કોઈ એક્સચેન્જ હૅક થાય કે અચાનક બંધ થઈ જાય જેવું FTX ના કેસમાં બન્યું હતું, તો રોકાણકર્તાઓ આખું રોકાણ ગુમાવી શકે છે.
3. નીતિ અને નિયમોની અનિશ્ચિતતા
વિશ્વભરમાં ક્રિપ્ટો માટે નીતિ અને નિયમો હજી પણ વિકાસના અવસ્થામાં છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સીને હજી કાયદેસર ચલણ તરીકે માન્યતા નથી, પરંતુ તેની પર ઊંચા દરે કર વસૂલ થાય છે અને તટસ્થ દેખરેખ રાખવામાં આવે છે. જો કાયદા અચાનક બદલાય, કે કોઈ નવી નીતિ અમલમાં આવે, તો તે રોકાણકાર માટે મોટું જોખમ બની શકે છે.
4. ઠગાઈઓ અને ખોટા વચનોથી બચવું
ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં છેલ્લા થોડા વર્ષોમાં ઠગાઈના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. ફેક ટોકન, પોન્ઝી સ્કીમો, ફિશિંગ લિંક્સ જેવા ફ્રોડ્સ સામાન્ય બની ગયા છે. લોકો વધારે વળતરના લોભમાં આવીને પોતાની બચત ગુમાવતાં જોવા મળ્યા છે.
5. રોકાણકર્તા રક્ષણ માટે મર્યાદિત માળખું
પારંપરિક નાણાકીય ક્ષેત્રમાં રોકાણકાર માટે વિવાદ નિવારણ, કસ્ટમર ગ્રીવેન્સ અને કાયદેસર રક્ષણ માટે મજબૂત માળખું હોય છે. પરંતુ ક્રિપ્ટો ઈકોસિસ્ટમમાં આવા કોઈ ચોક્કસ કાયદાકીય સાધનો ઉપલબ્ધ નથી. કોઈ છેતરપિંડી કે અન્ય કોઈ પ્રકારની મુશ્કેલી થાય તો તે અંગેની ફરિયાદ નિવારણની કોઈ વ્યવસ્થા નથી.
6. નિયામક સંસ્થા ન હોવાને કારણે ઊભા થતાં પ્રશ્નો
અત્યાર સુધીમાં ભારતમાં કોઈ ખાસ સમર્પિત ક્રિપ્ટોકરન્સી રેગ્યુલેટર નિમવામાં આવ્યા નથી. એટલે હેકિંગ, ફ્રોડ કે કાયદાના બદલાવ જેવી ઘટનાઓ સામે રોકાણકર્તાના હિતનું રક્ષણ કરવા માટે કોઈ એજન્સી નથી. આ જોખમથી બચવા માટે ફક્ત એ જ ક્રિપ્ટો એક્સચેન્જનો ઉપયોગ કરવો જે FIU-IND (ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ–ઈન્ડિયા) સાથે નોંધાયેલ હોય અને જે કડક KYC તથા મની લોન્ડરિંગ વિરોધી નિયમોનું પાલન કરતાં હોય.
ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ ભવિષ્યની તક પણ બની શકે છે અને જોખમભર્યો નિર્ણય પણ. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની સુરક્ષિતતા, ક્રિપ્ટોકરન્સી અંગેની પૂરતી જાણકારી, તકેદારી અને યોગ્ય પ્લેટફોર્મની પસંદગી ઉપર નિર્ભર છે. ક્રિપ્ટોકરન્સીના રોકાણમાં અજાણપણે નહીં, પણ સમજદારીથી આગળ વધો.
ભારતમાં ક્રિપ્ટોકરન્સી: 2013થી આજ સુધીની સફર
ક્રિપ્ટોકરન્સી, ખાસ કરીને બિટકોઇન, જ્યારે વિશ્વભરમાં ચર્ચામાં આવી ત્યારે ભારત પણ તે દિશામાં ધ્યાન આપવા લાગ્યું. 2013માં ભારતીય રોકાણકારો પ્રથમ વખત ક્રિપ્ટોમાં રસ લેતા જોવા મળ્યા હતા, પરંતુ ડિજિટલ ચલણ વિશે કોઈ સ્પષ્ટ નીતિ ન હોવાને કારણે બજારમાં અનિશ્ચિતતા છવાયેલી હતી.
2013–2017 દરમિયાન, આરબીઆઈ દ્વારા સામાન્ય ચેતવણીઓ જારી કરવામાં આવી કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું જોખમી છે અને તેમાં નાણાકીય ગેરકાયદેસર પ્રવૃત્તિની શક્યતાઓ પણ રહેલી છે. આ અવધિ દરમિયાન ક્રિપ્ટોનો વ્યાપ થોડો વધારે પડતો અનૌપચારિક હતો, અને રેગ્યુલેટરી સ્પષ્ટતા ન હોવાને કારણે ઘણા લોકો ક્રિપ્ટોકરન્સીથી દૂર રહ્યા હતા.
2018 માં, આરબીઆઈએ એક ઐતિહાસિક પરિપત્ર દ્વારા બેંકો અને નાણાકીય સંસ્થાઓને ક્રિપ્ટો સંબંધિત સેવાઓ પૂરી પાડવા પર પ્રતિબંધ મૂક્યો. આ પગલાએ ભારતના ક્રિપ્ટો ઇકોસિસ્ટમને મોટો ઝટકો આપ્યો, રોકાણકારો અને ઉદ્યોગપતિઓએ સુપ્રીમ કોર્ટમાં આ પ્રતિબંધ સામે અપીલ દાખલ કરી.
2020 માં, સુપ્રીમ કોર્ટે આરબીઆઈનો પ્રતિબંધ રદ કરતા ઐતિહાસિક ચુકાદો આપ્યો, જેને પગલે ફરી એકવાર ભારતમાં ક્રિપ્ટોમાં લોકચાહના વધવા લાગી. 2021 સુધીમાં ભારતે અંદાજિત 11.5 કરોડ યુઝર્સ સાથે વિશ્વના ટોચના ક્રિપ્ટો અપનાવનારા દેશોમાં સ્થાન મેળવ્યું.
2022 માં, સરકાર દ્વારા 30% નફા ઉપર કર અને દરેક લેવડદેવડ પર 1% TDS લાગુ કરવામાં આવ્યો. આ નાણાકીય નીતિઓના પરિણામે વેપાર પ્રવૃત્તિમાં મોટો ઘટાડો નોંધાયો. 2023 સુધીમાં સક્રિય રોકાણકારોની સંખ્યા ઘટીને આશરે 1.9 કરોડ થઈ ગઈ, તેમ છતાં આ આંકડો પણ વૈશ્વિક સ્તરે નોંધપાત્ર છે..
2024 ના છેલ્લાં ત્રિમાસિકમાં ટોચના ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોએ USD 1.9 બિલિયન જેટલા ટ્રેડ્સ નોંધાવ્યાં—પાછલા ત્રિમાસિકની તુલનાએ આંકડો બમણો હતો. છતાં આશરે 90%થી વધુ ભારતીય ટ્રેડ હજુ પણ વિદેશી પ્લેટફોર્મ પર થાય છે, કારણ કે ઘરમાં લાગુ કરની નીતિઓ અને નીતિગત અનિશ્ચિતતાઓ રોકાણકારોને વિદેશી વિકલ્પ તરફ દોરી રહી છે.
આજની સ્થિતિએ પણ, ભારત વિશ્વના સૌથી વધુ ક્રિપ્ટો રોકાણકારો ધરાવતા દેશોમાં સ્થાન પામે છે. Chainalysis અને Statista જેવી સંસ્થાઓ અનુસાર આપણા દેશમાં 1.5 થી 2 કરોડ લોકોએ ક્રિપ્ટોમાં રોકાણ કર્યું છે અને કુલ મૂડીરાશિ ₹50,000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે.
અંતમાં...
ક્રિપ્ટોકરન્સી એ નાણાંકીય જગતમાં એક નવા યુગની શરૂઆત છે. આંતરરાષ્ટ્રીય લેવડદેવડ વધુ ઝડપી બની છે, નાણાંકીય પ્રવેશ વધુ વિસ્તૃત થયો છે અને રોકાણ માટે નવા વિકલ્પો ઊભા થયા છે. સાથે સાથે, આ ક્ષેત્ર અનેક જટિલ પડકારો પણ ધરાવે છે. ટેક્નોલોજી, કાયદા અને નીતિગત દ્રષ્ટિએ વિશ્વભરના દેશો હજુ પણ તેને સમજવાની અને તેનું યોગ્ય નિયમન કરવાની પ્રક્રિયામાં છે. ભારત પણ આ દિશામાં સાવચેતીપૂર્વક, પણ પ્રગતિશીલ રીતે આગળ વધી રહ્યું છે. આપણો દેશ આ ટેક્નોલોજીકલ નવીનતાને આવકાર આપવાની સાથે એક રચનાત્મક નિયમનાત્મક માળખું ઉભું કરી, એક સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવા પ્રયત્નશીલ છે. ભવિષ્યમાં ડિજિટલ કરન્સી આપણા નાણાંકીય વ્યવહારનો મુખ્ય ભાગ બનશે કે નહીં એ હજુ સ્પષ્ટ નથી, પણ એક વાત ચોક્કસ છે: ક્રિપ્ટોકરન્સીએ "ભવિષ્યની નાણાંકીય વ્યવસ્થા" વિશેની આપણી વિચારધારાને જરૂર બદલાવી છે.



Comments